દર્શન અને સંવાદ એટલે આર્ષ પરંપરા

 

ભારતીય સભ્યતા પૂર્ણતાની આરાધક છે. જીવનમાં પૂર્ણતા લાવવા દર્શન અને વ્યવહારનો સમન્વય જરૂરી છે. જીવનમાં પૂર્ણતા લાવવા જ્ઞાન જોઇએ. જ્ઞાન વિકસતું અને વહેતું રહેવું જોઇએ. ઋષિ સામે બે કર્તવ્યો હતા. એક, આસપાસના વિશ્વને જાણવું, સમજવું અને તેની સાથે સામંજસ્ય સાધવું. બીજું ચેતનાનાં અતલ ઊડાણોમાં ડૂબકી લગાવીને પરમ તત્ત્વ સાથે અનુસંધાન કરવું અને તે દ્વારા માનવમાં રહેલા અખૂટ સામથ્ર્યનો આવિષ્કાર કરવો.

આ બેઉ હેતુઓનો સિદ્ધ કરવા ઋષિએ જ્ઞાન-વિજ્ઞાનની ખોજ ચલાવી. તેણે પ્રશ્નો પૂછ્યા અને ઉત્તરો પણ ખોળ્યા. દર્શન અને સંવાદ એ આર્ષ પરંપરાના પાયાના વિચારો છે. સમગ્ર વિશ્વ જયારે અંધકારયુગમાં સબડતું હતું ત્યારે ભારતનો ઋષિ બ્રહ્માંડનાં રહસ્યોની શોધખોળમાં મસ્ત હતો. જ્ઞાનવિજ્ઞાનનું એકપણ ોત્ર એવું નહીં મળે જેમાં આર્ષ પરંપરાનું યોગદાન નહીં હોય.

વેદ એ માનવ સભ્યતાના સૌથી પ્રથમ જ્ઞાન સંગ્રહ છે. વેદ શબ્દનું મૂળ વિદ્ ધાતુમાં છે. વિદ્ એટલે જાણવું. હજારો મંત્રોની વેદિક જ્ઞાનગંગા કોઇપણ જાતના કાગળ કલમ વગર માત્ર ગુરુ-શિષ્યની શ્રુતિ પરંપરા (મુખપાઠ) દ્વારા હજારો વર્ષથી વહેતી આવી છે. આ એક વાત પોતે જ મોટો ચમત્કાર છે!

વેદમાં અઘ્યાત્મથી લઇને આયુર્વિજ્ઞાન, પ્રકતિ વિજ્ઞાનથી લઇને પ્રશાસન અને ખગોળથી લઇને ખેતી સુધીના વિષયો આવરી લેવાયા છે.

ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એમ ચાર ભાગમાં જ્ઞાન વિજ્ઞાનની લગભગ તમામ સરહદોને ખેંચી લેવામાં આવી છે. વેદની સાથે જોડાયેલાં છ ોત્રોને વેદાંગ કહે છે. વેદિક કર્મકાંડને સમાવતા બ્રાહ્મણ ગ્રંથો અને અરણ્ય જીવનનાં પાસાંને સ્પર્શતા વિષયો સમાવતા આરણ્યકોને વેદનો વિસ્તાર જ કહીશું.

વેદસંહિતાનો બધો જ ભાગ અત્યારે ઉપયુકત ન પણ હોય. જોકે વેદનો જે ભાગ કયારેય અપ્રસ્તુત નહીં થાય, તે છે વેદાંત. વેદાંત એટલે વેદોનો અંતિમ સંદેશ અથવા વેદનો સાર ભાગ. તેને ઉપનિષદ પણ કહે છે. મૂળભૂત રીતે વેદાંત એ વેદનું તત્ત્વજ્ઞાન છે. જેને આપણે શુદ્ધ જ્ઞાન કે પ્યોર નોલેજ કહી શકીએ.

ઉપનિષદ શબ્દનું મૂળ પણ અર્થપૂર્ણ છે. તે ઉપ, નિ: અને સદ્ એમ ત્રણ શબ્દોનો બનેલો છે. તેનો ભાવાર્થ ગુરુ પાસે બેસીને નિષ્ઠાપૂર્વક પ્રાપ્ત કરેલું જ્ઞાન એવો થાય છે. ઉપનિષદો ગુરુ-શિષ્ય વરચેના સંવાદ સ્વરૂપના છે. ઉપનિષદ પોતે કોઇ ને કોઇ વેદ સંહિતાનો અભિન્ન હિસ્સો છે. આ ઉપરાંત તે દરેકને પોતપોતાનું વિશિષ્ટ વિષયવસ્તુ છે. દા.ત. કોઇમાં પરમ તત્ત્વના સ્વરૂપ વિશે ચર્ચા છે તો કોઇ માનવ શરીરના પંચકોષનું દર્શન કરે છે.

વળી દરેક ઉપનિષદનો પોતિકો શાંતિમંત્ર છે. આ શાંતિમંત્રો પોતે એક મોટી ખોજ છે. ઉપનિષદના અભ્યાસ દરમિયાન કેટલાક દિવ્ય શાંતિમંત્રોનો તાત્ત્વિક ચમત્કતિઓ છે. તેમાં અનેક રસપ્રદ પ્રસંગો અને પાત્રો પણ છે. આ પાત્રો અને પ્રસંગો આજના યુગમાં કઇ રીતે અને કેટલા પ્રસ્તુત છે તે પણ આપણા અભ્યાસનો વિષય રહેશે.

વિશ્વના ઘણાયે તત્ત્વવેત્તાઓ અને ઇતિહાસકારોએ વેદાંતને માનવ સભ્યતાના અણમોલ ખજાના તરીકે માન્યું છે. સ્વામી વિવેકાનંદ સરીખા કર્મનિષ્ઠ સંન્યાસી પણ પોતાની જાતને અદ્વૈત વેદાંતી તરીકે ઓળખાવામાં ગૌરવ અનુભવતા. સ્વામીજીનો મહામંત્ર ઊઠો જાગો… એ કઠોપનિષદનો મંત્ર છે.

આવો મિત્રો, સરવા કરીએ કાન, આપણી આસપાસ અહર્નિશ ગુંજતા ઋષિઓના મંત્રોને જિગરમાં ઉતારવા તૈયાર થઇ જઇએ. આ તો અમૃતને આસ્વાદવાનો અવસર છે!

દર્શન અને સંવાદ એટલે આર્ષ પરંપરા

હજારો મંત્રોની વેદિક જ્ઞાનગંગા કોઇપણ જાતના કાગળ કલમ વગર માત્ર ગુરુ-શિષ્યની શ્રુતિ પરંપરા (મુખપાઠ) દ્વારા હજારો વર્ષથી વહેતી આવી છે. આ એક વાત પોતે જ મોટો ચમત્કાર છે!

અશોક શર્મા

[દિવ્યભાસ્કર પરથી સાભાર]


આપના અમુલ્ય પ્રતિભાવ આપ અહીં આપી શકો છો. http://wp.me/P41Pnx-1R

Advertisements