આલ્બાટ્રોસ પક્ષી

આલ્બાટ્રોસ પક્ષીનો એક જ વખતમાં ૧૬ હજાર કિલોમીટર ઉડવાનો વિક્રમ!

આ કદાવર દરિયાઈ પક્ષી ૪૬ દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરી શકે છે, માત્ર ઈંડા મુકવા જ જમીન પર આવે છે!

Image1

ઉડવા માટે આલ્બાટ્રોસ હાર્ડ નહીં સ્માર્ટ વર્ક કરે છેઃ ઉડતાં ઉડતાં જ ઊંઘ અને ભોજન પતાવી લેતુ પક્ષી માત્ર ઈંડા મુકવા જ જમીન પર આવે છે!

કોઈ પક્ષી એક વખત ઉડ્ડયા પછી સતત કેટલું ઉડી શકે? જવાબનો આંકડો આપણી કલ્પનામાં આવે એવડો મોટો છે. રાક્ષસી કદના દરિયાઈ પક્ષી આલ્બાટ્રોસે એક જ વખતની ઉડાનમાં સતત ૧૬ હજાર કિલોમીટર કરતા વધારે અંતર સુધી ઊડતા રહેવાનો વિક્રમ સર્જ્યો છે. એટલે કે એક વખત જમીન પરથી પગ ઉપાડયા પછી સતત ૧૬ હજાર કિલોમીટર સુધી ઉડયા કર્યા પછી આલ્બાટ્રોસે ફરી જમીન પર પગ મુક્યો હતો! પક્ષી જગતમાં ઉડ્ડયનનો આ એક અનોખો વિક્રમ છે. સૌથી મોટા પ્રવાસી પંખી તરીકે તો દરિયાઈ પક્ષી આલ્બાટ્રોસ જાણીતુ છે, જ પરંતુ તેનો પ્રવાસ આટલો મોટો હોઈ શકે તેની સંશોધકોને કલ્પના ન હતી. જર્મનીની મ્યુનિક યુનિવર્સિટીના સંશોધકોએ વિવિધ ૨૦ આલ્બાટ્રોસનું જીપીએસ ટ્રેકિંગ કર્યુ ત્યારે આ વિગત બહાર આવી હતી. બે વર્ષ પહેલા અમેરિકાની બોઈંગ કંપનીએ સૌથી વધુ રેન્જ ધરાવતું બોઈંગ-૭૭૭ નામનું વિમાન માર્કેટમાં ઉતાર્યુ હતું. એ વિમાન એક વખતમાં ૧૭ હજાર કિલોમીટર ઊડી શકે છે. આલ્બાટ્રોસ તેનાથી જરાક જ પાછળ રહ્યું છે.

આલ્બાટ્રોસ અત્યંત કદાવર પક્ષી છે. તેની પાંખોની પહોળાઈ ૧૧-૧૨ ફીટ સુધી પહોંચતી હોય છે, જ્યારે વજન ક્યારેક ૧૨થી ૧૫ કિલોગ્રામ સુધી હોય છે.

વિશાળ પાંખો જ તેને ઉડવામાં મદદ કરે છે. એ પંખી ઉડવા કરતાં હવામાં તરવાનું કામ વધારે કરે છે. ખોરાક માટે દરિયામાં તરતી માછલીઓ, કરચલા અને અન્ય દરિયાઈ જીવો એ ડુબકી મારીને ચાંચમાં પકડી લે છે. ઉડતી વખતે બે-ચાર મિનિટ આંખો બંધ કરે એટલે તેની ઊંઘ પુરી થઈ જાય છે. પહોળી પાંખો કરીને હવા પર સવાર થઈ આલ્બાટ્રોસ લાંબો સમય સુધી ઊડી શકે છે. પક્ષીશાસ્ત્રીઓએ નોંધ્યુ છે કે આલ્બાટ્રોસ હાર્ડ નહીં પણ સ્માર્ટ વર્ક કરે છે. એટલે લાંબો સમય ઉડવાં છતાં તેના શરીરની બહુ ઓછી શક્તિ તેમાં વપરાય છે. જ્યારે આગળ નોંધ્યુ એ બોઈંગ વિમાન એક કિલોમીટર ઊડે ત્યાં ઓછામાં ઓછુ ૧૨ કિલોમીટર બળતણ વાપરી નાખતુ હોય છે.

આમ પણ આ પક્ષી સતત ઉડતા રહેતા પક્ષી તરીકે જાણીતુ છે કેમ કે વર્ષ દરમિયાન ઈંડા મુકવા સિવાય કોઈ કામ માટે એ જમીન પર આવતું જ નથી! ખાવાનું અને ઊંઘવાનુ કામ આલ્બાટ્રોસ હવામાં ઉડતાં ઉડતાં જ કરી નાખે છે. પાંખોનુ કદ અત્યંત મોટુ હોવાને કારણે અન્ય પક્ષીઓની માફક આલ્બાટ્રોસે વારંવાર પાંખો ફફડાવવી પડતી નથી. સ્થિર પાંખો હોય તો પણ કલાકો સુધી એ ઉડતું રહી શકે છે. એરાઉન્ડ ધ વર્લ્ડ ઈન ૮૦ ડેઈઝ એ જુલ્સ વર્નની વાર્તા ખાસ્સી જાણીતી છે. પરંતુ જો આલ્બાટ્રોસે પૃથ્વીનું પરિભ્રમણ કરવાનું હોય તો એ માત્ર ૪૬ દિવસમાં એરાઉન્ડ ધ વર્લ્ડ થઈને મૂળ સ્થાને પરત આવી શકે, એ પણ કલાકના ૧૦૮ કિલોમીટરની તીવ્ર ઝડપે.

ઉડ્ડયનની પરિભાષામાં ‘ડાયનેમિક સોરિંગ’ કહેવાતી પદ્ધતિનો ઉપયોગ એ ઉડવા માટે કરે છે. એ પદ્ધતિમાં પહેલા એ ઉપરથી પડતુ મુકે છે. છેક દરિયાની સપાટી પાસે આવી પહોંચે ત્યારે ત્યાં ફૂંકાતા પવન સાથે ડુબકી મારી ઊંચે ચડી જાય છે. વળી ફરી પવન ઓછો જણાય એટલે નીચે તરફ ડૂબકી લગાવે છે. પરિણામે તે બહુ ઓછી મહેનતે લાંબી સફર કાપી શકે છે.

પૃથ્વી પર પાંચેક કરોડ વર્ષથી અસ્તિત્વ ધરાવતા આલ્બાટ્રોસનો હવે મોટા પાયે શિકાર થઈ રહ્યો છે. સરેરાશ દર પાંચ મિનિટે માછીમારી માટે નીકળેલા જહાજો દ્વારા એક આલ્બાટ્રોસની હત્યા થાય છે. પરિણામે આલ્બાટ્રોસની વિવિધ ૨૨ પ્રજાતિઓ પૈકી આઠ તો હવે ખતમ થવાને આરે આવી પહોંચી છે. તેનું કદ ઘણુ મોટું હોવાથી આસાનીથી શિકાર કરી શકાય છે. વળી આલ્બાટ્રોસને માણસોનો ખાસ ડર લાગતો નથી. માટે શિકારીઓ તેની પાસે જઈ તેનો શિકાર કરી શકે છે.

૬૦ વર્ષ સુધીનો આયુષ્યકાળ ધરાવતા આલ્બાટ્રોસ એક જ વખત જીવનસાથી પસંદ કરે છે. કોઈ સંજોગોમાં જીવનસાથી મૃત્યુ પામે તો આલ્બાટ્રોસના જીવનમાં બીજા સાથીનું આગમન થતું નથી.


આપના અમુલ્ય પ્રતિભાવ આપ અહીં આપી શકો છો. http://wp.me/P41Pnx-1R

Advertisements