ઇશનું ઘર છે, સર્વ જગ આ

વેદાંત-વિજ્ઞાનના અભ્યાસક્રમના શ્રીગણેશ ઇશાવાસ્યોપનિષદથી કરીશું. તેને ઇશોપનિષદ પણ કહે છે. તેને ઉપનિષદમાં પ્રથમ અને અદકેરુ સ્થાન મળ્યું છે. તેની શરૂઆત ઇશાવાસ્યમ મંત્રથી થાય છે અને તેમાં ઇશદર્શન એ પ્રધાન રસ છે. તેથી તેને ઇશોપનિષદ એવું નામ મળ્યું છે. તે શુકલ યજુર્વેદની કાણ્વ શાખીય સંહિતાનો ચાલીસમો અઘ્યાય છે. શુકલ યજુર્વેદના પ્રથમ ઓગણચાલીસ અઘ્યાયોમાં કર્મકાંડનું દર્શન છે અને છેલ્લા અઘ્યાયમાં જ્ઞાનકાંડનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જેને આપણે ઇશોપનિષદ તરીકે જાણીએ છીએ. કર્મકાંડને યુગ અને જાતિધર્મોની મર્યાદા નડે છે પણ જ્ઞાન તો સ્થળ-કાળ અને બધી જ મર્યાદાઓથી પર છે. એટલે તે સનાતન છે. આવા સત્ય અને અનંત જ્ઞાનને બ્રહ્મ એટલે કે પરમાત્માની સંજ્ઞા આપવામાં આવી છે.

ઇશોપનિષદનો શાંતિમંત્ર અૌં પૂર્ણમદ: પૂર્ણમિદં પૂણાર્ત્ પૂર્ણમુદરયથે, પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે અદ્ભુત છે. આ મંત્રમાં જીવ અને શિવના સનાતન સંબંધનું રહસ્ય છુપાયું છે. ઋષિનો ભાવાર્થ સમજવા પ્રયાસ કરીએ. તે (પરમાત્મા) સદા સર્વદા પૂર્ણ છે. આ (જીવાત્મા) પણ બધી રીતે પૂર્ણ છે. જીવાત્મા પરમાત્મામાંથી ઉત્પન્ન થયેલ છે. આમ ઇશ્વર અને જીવ વરચે અંશ-અંશી સંબંધ છે. સામાન્ય રીતે કોઇ પદાર્થમાંથી બીજો પદાર્થ નીકળે તો બંનેની પૂર્ણતા ખંડિત થાય પણ અહીંયાં એવું થતું નથી. ઋષિ કહે છે, પંણૂ (અંશી પરમાત્મા)માંથી પૂર્ણ (અંશ જીવાત્મા) કાઢી લઇએ તો પણ બંનેની પૂર્ણતા અખંડ રહે છે. આ મંત્રને મનમાં બે ઘડી મમળાવીએ તો કેટકેટલા અર્થોનિતરી આવે! એક ભૌતિક શાસ્ત્રી માટે પૂર્ણમદ: મંત્ર બહુ મજાની ચમકતિ પ્રસ્તુત કરે છે. આપણે ભણ્યા છીએ કે એક અણુમાંથી બીજો અણુ પ્રગટ થાય છે ત્યારે તે પોતાના સ્રોતમાં રહેલા બધા જ ગુણો ધરાવે છે. સાથે સ્રોત પણ બધી વાતે પૂર્ણ રહે છે. પ્રજનન વિજ્ઞાનમાં પણ આ જ રહસ્ય છે. પ્રચંડ શરીર ધરાવતા પ્રાણીના એક અતિ સૂ મ કોષમાં તેના બધા જ ગુણો ગોપિત હોય છે. પ્રજનન ક્રિયા દરમિયાન એક કોષમાંથી અનેક કોષ ઉત્પન્ન થાય છે અને થોડા સમયમાં તો ટચૂકડો કોષ મસમોટા પ્રાણીનું સ્વરૂપ ધારણ કરે છે.

પૂર્ણમદ: મંત્રનું બીજું પાસું જોઇએ. પૂર્ણમદ: મંત્ર એ પ્રત્યેક જીવમાં પૂર્ણતાનું વચન છે. તે દરેક જીવમાં રહેલી અનંત સંભાવનાનો ટંકાર છે. આઇ કેન જેવા આધુનિક આત્મવિશ્વાસ-મંત્રનું મૂળ ઇશોપનિષદમાં છે! આ વાતનો મર્મ સમજવા પંચતંત્રનું એક કથાનક જોઇએ.

એકવાર જંગલમાં રહેતા સિંહોના જૂથમાંથી એક બરચું વિખૂટું પડી ગયું. તે એકલું ભટકતું હતું. ત્યારે ત્યાંથી પસાર થતા ધેટાંના ટોળામાં ભળી જાય છે. સિંહનું બરચું ધેટાંના બરચાંઓ સાથે રમતું મોટું થાય છે. આમ કરતાં બે વર્ષ પસાર થઇ જાય છે. પોતાના આનુવંશિક ગુણોને અનુસરીને તે યુવા સિંહનું રૂપ ધારણ કરે છે પણ સંગતને કારણે તેનું વર્ણન ધેટાંનું જ રહે છે. એક વાર ધેટાંના ટોળા સાથે યુવા સિંહ જંગલમાં જાય છે ત્યાં બીજો એક પુખ્ત સાવજ આવી ચડે છે. તેને જોઇને ધેટાં નાસભાગ મચાવે છે. યુવા સિંહ પણ ભાગે છે. તે જોઇને પુખ્ત સિંહને અચરજ થાય છે. તે ધેટાંને પડતા મૂકીને યુવા સિંહને પકડે છે. બેં બેં કરતો યુવા સિંહ કરગરતો રહે છે. પુખ્ત સિંહ યુવા સિંહને નદી કિનારે લઇને જાય છે. નદીના જળમાં પોતાનું પ્રતિબિંબ જોઇને તેને પોતાના અસલી રૂપની અનુભૂતિ થાય છે. તે ત્રાડ પાડીને પુખ્ત સિંહને પડકારે છે. તે હવે ધેટું નહોતો રાો!

પૂર્ણમદ: એ ઉત્કષ્ટ જીવનનો વિજયઘોષ છે. ઉત્તમતાની વાત માત્ર ભૌતિક સિદ્ધિ પૂરતી મર્યાદિત રહે તે કેમ ચાલે? આવો, ભૌતિક અને ચૈતસિક ઊર્જાના સમન્વયથી જીવનમાં પૂર્ણતા આણીએ.

ઇશનું ઘર છે સર્વ જગ આ

પૂર્ણમદ: મંત્ર એ પ્રત્યેક જીવમાં પૂર્ણતાનું વચન છે. જેવા આધુનિક આત્મવિશ્વાસ-મંત્રનું મૂળ ઇશોપનિષદમાં છે!

અશોક શર્મા

[દિવ્યભાસ્કરમાંથી સાભાર]


આપના અમુલ્ય પ્રતિભાવ આપ અહીં આપી શકો છો. http://wp.me/P41Pnx-1R

Advertisements