વિજ્ઞાન વિશ્વમાં આપણે ક્યાં?

છ દાયકા પહેલાં જયારે આપણે આઝાદ થયા ત્યારે દરેક ક્ષેત્રે આપણી સ્થિતિ ખૂબ જ નાજૂક હતી. અન્ન, આરોગ્ય, શિક્ષણ જેવા ક્ષેત્રોના વિકાસની પ્રાથમિકતા હતી. દુકાળ જેવી કુદરતી આપત્તિઓનો વારંવાર સામનો કરી રહેલા આપણા દેશ પાસે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ માટે જરૂરી માળખું ન હતું. અનેક વિઘ્નો પાર કરી ભારતે વિજ્ઞાન વિશ્વમાં પોતાનો ડંકો વગાડ્યો છે. આપણા પ્રથમ વડાપ્રધાન નહેરુજીએ વિજ્ઞાન સંશોધનો પર ભાર મૂકતાં કહ્યું હતું કે વિજ્ઞાન સંસ્થાઓ આધુનિક ભારતના મંદિરો છે જે રાષ્ટ્રનિર્માણ અને વિકાસમાં મોટી ભૂમિકા નિભાવે છે. આઝાદીના શરૂઆતના દાયકામાં જ આઇઆઇટી, આઇઆઇએમ, એઇમ્સ, બીએઆરસી, ઇસરો જેવી સંસ્થાઓ સ્થાપવામાં આવી. સાથે સાથે અનેક રાષ્ટ્રીય પ્રયોગશાળાઓને સુયોજિત કરવામાં આવી અને વિશ્વવિદ્યાલયોમાં વિજ્ઞાન વિભાગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. ખેડૂતો અને સરકારના સહિયારા પ્રયાસથી વૈજ્ઞાનિક અભિગમને કારણે ટૂંકા ગાળામાં દેશ અન્ન ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બની ગયો. ભારત વિશ્વમાં ડાંગર, ખાંડ અને ઘઉંના ઉત્પાદનમાં અગ્રેસર છે. ફળો – ખાસ કરીને કેરી, કેળા અને દ્રાક્ષ, શાકભાજી પણ પુષ્કળ પ્રમાણમાં થવા લાગ્યા. દૂધ ઉત્પાદન ક્ષેત્રે તો શ્વેતક્રાંતિ થઇ. આધુનિક ટેકનોલોજી અને કૃત્રિમ ઉપગ્રહના દૂર સંવેદન પધ્ધતિના ઉપયોગથી સાઇઠ વર્ષમાં દેશમાં મત્સ્ય ઉત્પાદન  છ લાખ ટનથી સાઈઠ લાખ ટન પહોંચ્યું જે વિશ્વમાં ત્રીજા સ્થાને છે. હરિત, શ્વેત અને નીલ ક્રાંતિની પૃષ્ઠભૂમિમાં રહેલા વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના મીઠાં  ફળ ભારતીઓએ ચાખ્યા. આરોગ્ય ક્ષેત્રે ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિ અદ્વિતીય છે. શિશુ મૃત્યુ દર અડધો થઇ ગયો તો સરેરાશ અપેક્ષિત આયુષ્ય ત્રીસ વર્ષ જેટલું વધી ગયું. શીતળા અને પોલીયો જેવા ખતરનાક રોગોને દેશવટો આપી દીધો. ભારતના દવા ઉદ્યોગે સારૂ કાઠું કાઢ્યું છે. વિશ્વમાં ચોથો ક્રમ ધરાવતો આપણો આ ઉદ્યોગ દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં એન્ટીબાયોટિક અને વિટામીન જેવી દવાઓ પાંચ ગણી સસ્તી તો બનાવે જ છે પણ નવી દવાઓ અને નવી રોગ પ્રતિરોધક રસીના સંશોધન અને ઉત્પાદન ક્ષેત્રે પણ અગ્રેસર છે.

વીજઉર્જા ઉત્પાદન ક્ષમતા કોઇપણ રાષ્ટ્રના વિકાસની પારાશીશી છે. સ્વતંત્ર ભારતમાં ચાર હજાર બંધ બંધાયા જેનાથી સિંચાઈમાં સુધારો થયો, પીવાના પાણીની સમસ્યા હળવી થઇ  અને વીજ ઉત્પાદન સિત્તેર ગણું વધી ગયું. ટેલિકમ્યુનિકેશન અને કમ્પ્યુટર ક્ષેત્રે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસની આજની પેઢી સાક્ષી છે. ભારત સક્ષમ પરમાણુ કાર્યક્રમ માટે સંપૂર્ણ સવલત ધરાવતો દેશ છે. ભૂગર્ભ અણુ વિસ્ફોટ, અણુ વીજ મથક, અણુ સબમરીન અને અણુ ઇંધણ મિસાઇલનો વિકાસ ભારતીય ટેકનોલોજી માટે એક સીમાચિન્હ છે. ઇસરોનું ચંદ્રયાન, મંગળ અભિયાન, દૂર સંવેદન અને સંચાર ઉપગ્રહોની સંરચના અને પ્રક્ષેપણની કાબેલિયત ભારતને વિકસિત દેશોની હરોળમાં મૂકી દે છે. ભારતીય સમુદ્ર વિજ્ઞાનીઓએ એન્ટાર્કટિકા  ખાતે ત્રણ કાયમી સંશોધન કેન્દ્રો સ્થાપ્યા છે, આ સિદ્ધિ વિશ્વમાં બહુ જુજ દેશોને પ્રાપ્ય છે.

પરતું હજુ ઘણું કરવાનું બાકી છે. દેશને ઉન્નતિને માર્ગે લઇ જવા માટે વિજ્ઞાનની આંગળી પકડ્યા સિવાય છૂટકો નથી. આપણી શિક્ષણ પદ્ધતિ, લોકોની વિજ્ઞાન પ્રત્યે ઉદાસીનતા, સરળ જીવન જીવવા માટે વેઠવી પડતી હાડમારી, સરકાર તરફથી યોગ્ય પ્રોત્સાહનનો અભાવ વગેરે અનેક પ્રતિકૂળ પરિબળોને કારણે દેશમાં પાયાનું સંશોધન ખૂબ ઓછા પ્રમાણમાં થાય છે. હા, ઉછીની લીધેલી ટેકનોલોજી વાપરવામાં કે નકલ કરવામાં આપણે પાવરધા છીએ. પણ આ પ્રવૃત્તિ વિજ્ઞાન વિશ્વમાં આપણી હાજરી નથી નોંધાવી શકતી કે દેશ સમૃદ્ધ નથી થઇ શકતો. અંધશ્રદ્ધા છોડી, પારંપરિક રીત રિવાજોમાં બાંધછોડ કરી દરેકે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાની જરૂર છે. વિજ્ઞાન એ મુઠ્ઠીભર માણસોનો ઈજારો નથી.  તે તો જન જનમાં વ્યાપેલા  વિચાર છે – વર્તન છે.

[Chintan Bhatt, Former Sci/Engr SAC-ISRO, Ahmedabad]


આપના અમુલ્ય પ્રતિભાવ આપ અહીં આપી શકો છો. http://wp.me/P41Pnx-1R

Advertisements