ઇશાવાસ્ય-સ્વયમ્ થી વયમ્ થઇને પરમ સુધીની યાત્રા

માનવમાં પરમ ચેતનાના નિર્વિવાદ અને બિનશરતી અસ્તિત્વનું અભયવચન એટલે ઇશાવાસ્યમ્. ઇશાવાસ્ય મંત્રના આ એક ચરણનું મનોમંથન કરતાં કેટકેટલા અર્થોનવનીતની જેમ ઊભરી આવે! કોઇ તેને સાર્વત્રિક ચેતનાના આઘ્યાત્મિક સંદેશ તરીકે જુએ તો કોઇ વ્યકિત-સમષ્ટિના સંબંધના મંત્ર તરીકે પિછાણે. જેની જેવી ¼ષ્ટિ તેનું તેવું દર્શન!

માણસ સમાજ માટે છે કે સમાજ માણસ માટે? ડો. આલ્બર્ટ આઇન્સ્ટાઇનના આઇડીયાસ એન્ડ ઓપિનિયનમાં આ વિષય ઉપર સરસ ચિંતન થયું છે. માણસ અને સમાજના સંબંધો બહુ નાજુક છે. સામ્યવાદીઓ માણસની મૌલિક સ્વતંત્રતા કરતાં સમાજ પ્રત્યે માણસની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. તેથી વિપરીત મૂડીવાદીઓ માણસના સ્વાતંત્ર્ય પ્રત્યે ઝોક ધરાવે છે. એક વ્યવસ્થામાં માણસ સમાજનો હાથો બની રહે તેવું બને તો બીજામાં કેટલાક મુઠ્ઠીભર માણસો સમાજનું શોષણ કરતા રહે તેવી શકયતા છે. બંને પરિસ્થિતિ જોખમી છે. માણસ સમાજ નામની જડ મશીનરીનો કળ-પૂરજો બની રહે તો સમાજમાં મૌલિક ચિંતન કરનારાઓનો દુકાળ પડે. સમાજને ભૌતિક અને નૈતિક વિકાસના પથ પર સતત અગ્રેસર રાખવા નવું નવું ખોળી કાઢનારા વૈજ્ઞાનિકો, તત્ત્વવેત્તાઓ અને સાહસિકો આવશ્યક છે. આ માટે સમાજમાં વૈચારિક સ્વાતંત્ર્યની અમીધારા સતત વહેતી રહેવી જોઇએ. તે જ રીતે સામથ્ર્યવાન વ્યકિત વિશેષમાં શોષણને બદલે સમર્પણ કરવાની શુભનિષ્ઠા પણ તેટલી જ જરૂરી છે. તાત્પર્ય એ કે સ્વાતંત્ર્ય અને સમર્પણનું સંતુલન કરનારો સમાજ સ્વસ્થ રહે.

ઇશાવાસ્ય મંત્રનું દ્વિતીય ચરણ માણસ અને સમાજના સંબંધના કોયડાનો ઉકેલ છે. તેન ત્યકતેન ભુંજીથા: એટલે શું? આ મંત્રનો રૂઢ થયેલો શબ્દાર્થ કંઇક આવો છે. ત્યાગીને ભોગવી જાણો. બે વિરોધાભાસી તત્ત્વો ત્યાગ અને ભોગ સાથે સંભવે ખરા? કોઇપણ તર્કનિષ્ઠ માણસ આવા સરળાર્થ સાથે સંમત ન થઇ શકે. કવિનો ભાવાર્થ સમજવા ત્યાગ અને ભોગ બંનેના તત્ત્વને સમજવું પડે. સૌરાષ્ટ્રની મહેમાનગતિ ખૂબ પ્રચલિત છે, ખરું ને? ત્યાં એક શબ્દ બહુ પ્રચલિત હતો, રોટલે મોટા, અભ્યાગત અને અતિથિને જમાડયા પછી જમે તેને રોટલે મોટા કહેવાય. ગીતાકાર પણ કહે છે, જે માત્ર જાત માટે રાંધી ખાય છે, તે પાપ ખાય છે! મંત્રમાં બીજો શબ્દ છે, મા ગૃધ એટલે ચોરી ન કર. ચોરી શબ્દનો કાયદાકીય અર્થ તો સીમિત છે. તેનો વ્યાપક અર્થ લઇએ તો બળિયાના બે ભાગના ન્યાયે પર્યાવરણમાંથી કુદરતી અસ્કયામતો સેરવી લેનારા તો મહાચોર જ ગણાય ને? બીજાના પરિશ્રમ કે બુદ્ધિબળનો જશ એકલા ચરી જતા આખલાઓ આ જ શ્રેણીમાં મુકાય. ટીમવર્કના નામે સાથીદારોને દોડાવતા પણ ક્રેડિટ આપવામાં કંજૂસાઇ કરતા સાહેબો પણ તસ્કરની જમાતમાં જ આવે.

સ્વયમ્થી ક્રમશ: વયમ્ અને પરમ સુધીની યાત્રા એટલે ઇશાવાસ્ય અભિગમ. આ ઉપદેશનો નહીં પણ આચરણનો મંત્ર છે. સમાજે મને જે કંઇ આપ્યું છે, તેના બદલામાં મારે પાછું વાળવું જ જોઇએ તેવી નિષ્ઠા એટલે મા ગૃધ. પ્રામાણિકતા અને નિ:સ્વાર્થ સેવાભાવના તેન ત્યકતેન વૃત્તિના વ્યવહારુ આયામો છે. એક નિષ્ઠાવાન અને પ્રામાણિક જનસેવકને કોઇએ પૂછ્યું હતું, તમે સમાજ માટે આટલું કરો છો તેના બદલામાં સંઘર્ષ અને મુફલિસી સિવાય તમને શું મળે છે? તેનો સહજ ઉત્તર હતો, હું કોઇ બીજા માટે કંઇ કરતો નથી. આ તો મારો સ્વભાવ છે તેનાથી વિપરીત હું કરી શકું તેમ નથી. તમે ઇમાનદાર છો? તો એક વાત યાદ રાખો. તમારે એકલા જ લડવાનું છે. (અને લોકોની ¼ષ્ટિએ મોટેભાગે ગુમાવવાનું કે હારવાનું જ છે!) તમારો એકમાત્ર મિત્ર છે, તમારા હૃદયમાં બેઠેલો રામ. તે બધું જુએ અને જાણે છે. તે જ તમારો સા ાી, સાથી અને સુહૃદ છે. તે પૂરતું નથી શું? ફરીથી સપાટી પર ઊભરી આવે છે, મંત્ર, પૂર્ણમદ: પૂર્ણમિદમ્!

અશોક શર્મા

[દિવ્યભાસ્કર પરથી સાભાર]


આપના અમુલ્ય પ્રતિભાવ આપ અહીં આપી શકો છો. http://wp.me/P41Pnx-1R

Advertisements